← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માડીનો ગરબો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગરબે ઘૂમે નવલી રાત, માડી તારો દીવડો ઝળકે,
ચાચરના ચોકમાં ચૂંદડી લહેરે, ઝાંઝર ઝણકે.

નવ નવ દીવા કોડિયે મેલ્યા, નવ નવ રંગની ઓઢણી,
તાળીએ તાળીએ તારું નામ, ને ઘૂમરીએ ઘૂમરી લાગણી;
આભનો ચાંદો નીચે ઊતરી ગરબામાં જઈ ચળકે —
ગરબે ઘૂમે નવલી રાત, માડી તારો દીવડો ઝળકે.

ગામની વહુઆરુ, દીકરીઓ, સૌ આવી ગરબે ઘૂમે,
ડોશીમા પણ ઓટલે બેઠાં તાળી દઈ દઈ ઝૂમે;
માડી, તારી મમતાની હેલી હૈયે હૈયે છલકે —
ગરબે ઘૂમે નવલી રાત, માડી તારો દીવડો ઝળકે.

પરાગ કહે: આ ગરબો તો માનો ગર્ભ, ને અંદર દીવો,
કાણે કાણે તેજ વેરતો, એવો જ જીવતર જીવો;
જાત બળે ને જગ અજવાળે, એ જ ભક્તિ ઝળકે —
ગરબે ઘૂમે નવલી રાત, માડી તારો દીવડો ઝળકે.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતને હોઆગલો લેખ →નેતાજી અને મચ્છર