← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માછલીઘર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડ્રૉઇંગરૂમમાં
કાચનું એક માછલીઘર છે.

એમાં
પ્લાસ્ટિકનો છોડ,
પ્લાસ્ટિકનો પથ્થર,
ને એક પ્લાસ્ટિકનો ખજાનો.

માછલી
આખો દિવસ
કાચ સુધી જાય છે
ને પાછી વળે છે.

મહેમાનો કહે:
‘કેટલી ખુશ છે, જુઓ તો!
કેવી રમે છે!’

મને ખબર છે —
એ રમતી નથી,
દરિયાનો રસ્તો શોધે છે.

રાત્રે
લાઇટ બંધ કરું ત્યારે
કાચમાં
મારું પ્રતિબિંબ પણ
ગોળ ગોળ ફરતું દેખાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવિદાયઆગલો લેખ →ઢીંગલી