માભોમનો સાદ
ટૉરન્ટોમાં બરફ પડે છે.
બારી બહાર
બધું ધોળું,
બધું શાંત,
બધું વ્યવસ્થિત.
મારી દીકરી પૂછે છે:
‘પપ્પા, તમારા ગામમાં બરફ પડે?’
હું કહું છું:
‘ના, બેટા, ત્યાં ધૂળ ઊડે.’
એ નાક ચડાવે છે.
એને કેમ સમજાવું
કે એ ધૂળમાં
બળદની ઘૂઘરી વાગતી,
ગાયની ખરી પડતી,
ને સાંજે
માની હાક
ધૂળ ઓઢીને
છેક ખેતર સુધી પહોંચતી.
અહીં બરફ પડે છે —
એકદમ ચોખ્ખો,
એકદમ ચૂપ.
એમાં
કોઈ પગલાં
લાંબો વખત
ટકતાં નથી.
– પરાગ રતનપરા