લીંબોળી
ચૌદ વર્ષની હતી ત્યારે
કૂવે પાણી ભરવા જતાં
કોઈએ લીમડા પાછળથી
એક લીંબોળી મારી હતી.
હું છટકીને ભાગી હતી,
પણ બેડામાંથી
અડધું પાણી
છલકાઈ ગયું હતું.
આજે સાઠ વર્ષે
પૌત્ર સાથે બગીચામાં બેઠી છું,
ને પવનમાં
એક લીંબોળી
ખોળામાં પડી.
પૌત્ર હસ્યો:
‘બા, તમારા પર ઝાડે ગોળી મારી!’
હું પણ હસી.
પણ ભીતર
ફરી એક વાર
અડધું પાણી
છલકાઈ ગયું.
– પરાગ રતનપરા