લીમડાનો ઉપકાર
નેતાએ રસ્તો બનાવ્યો —
પાંચ વર્ષે એક વાર,
ને બોર્ડ પર
પોતાનો ફોટો મોટો.
શેઠે મંદિરમાં ઘંટ ચડાવ્યો —
નામ કોતરાવીને.
પાડોશીએ
ખરા ટાણે મદદ કરી,
ને પછી
દસ વર્ષ સુધી
યાદ કરાવતો રહ્યો.
ફક્ત
ગામને પાદર ઊભેલા
લીમડાએ
આખી જિંદગી છાંયો આપ્યો,
ને કદી
પોતાનું નામ
થડ પર
ન લખ્યું.
– પરાગ રતનપરા