લીમડાની આડશે
લીમડાની આડશે ઊભી રે છોરી, જુએ જાનૈયાની ધૂળ,
ઢોલ ઢબૂકે, શરણાઈ ગાજે, હૈયું થાય રે વ્યાકુળ.
સખીઓ પૂછે: ‘કોની જાન?’, હું તો ના બોલું રે નામ,
પાંદડે પાંદડે નામ લખ્યું છે, લીમડો જાણે તમામ;
કડવો લીમડો આજે મીઠો, ઝરે મીઠી મ્હોરની ઝૂલ…
લીમડાની આડશે…
ઘોડે ચડ્યો વરરાજો, માથે સાફો કેસરી રંગ,
આંખ મળી ને પાંપણ ઢળી, ધ્રૂજ્યું મારું અંગ;
લીમડા, તું તો સાખ પૂરજે, જો ભૂલું હું આ ભૂલ…
લીમડાની આડશે…
પરાગ કહે: જે ઝાડે છોરી પ્રીત છુપાવી રાખે,
એ ઝાડનાં પાન વરસો લગ યાદ મધુરી ચાખે;
કાલે ઈ જ છોરી માંડવે બેઠી, લીમડો ખેરે ફૂલ…
લીમડાની આડશે…
– પરાગ રતનપરા