← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લગ્નનું ઘર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લગ્નનું ઘર:
કંદોઈની કઢાઈ,
મંડપના વાંસ,
ડીજેનો ધમધમાટ,
ને સાડીઓની સરસરાહટ.

સૌ દોડે છે.

ખૂણામાં
દીકરીનો બાપ
એક ડાયરી લઈને બેઠો છે —
કૅટરર, ડેકોરેટર, ફોટોગ્રાફર…
દરેક નામ સામે
એક આંકડો.

ને એ આંકડાઓની વચ્ચે
એક ખાનું
એણે
ખાલી રાખ્યું છે —

વિદાય પછીની
પહેલી સાંજ માટે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆકારમાંઆગલો લેખ →તાળું છે