← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઑક્સિજન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ રાતે
આખું શહેર
એક જ શબ્દ શોધતું હતું —
ઑક્સિજન.

હું ત્રણ હૉસ્પિટલ,
બે એજન્ટ,
ને એક ‘ઓળખીતા’ પાસે
દોડ્યો.
ભાવ બોલાતા હતા
શ્વાસના —
લાખોમાં.

સવારે
ખાલી હાથે પાછો ફર્યો ત્યારે
હૉસ્પિટલના દરવાજે
એક ઘરડો લીમડો
ચૂપચાપ ઊભો હતો,
આખી રાત
કોઈ પાસે કશું માગ્યા વિના
પાંદડે પાંદડે
શ્વાસ વહેંચતો.

એ જ લીમડો
ગયા વર્ષે
પાર્કિંગ માટે
કાપવાનો પ્રસ્તાવ
મેં જ
સોસાયટીમાં મૂક્યો હતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખબદલાય છેઆગલો લેખ →પથ્થર