ઑક્સિજન વેચાય
શ્વાસ લઉં તો ખાંસી આવે, ખાંસું તો શ્વાસ જાય,
આ શહેરની હવામાં, ભઈલા, ધુમાડા પીરસાય.
સવારે ઊઠી બારી ખોલું, સૂરજ ધૂંધળો લાગે,
ચકલી પણ માસ્ક પહેરીને ઊડે, ને ખાંસતી જાગે;
મૉર્નિંગ વૉકે જઈએ, ને ઘેર ઇન્હેલર લઈ અવાય…
આ શહેરની હવામાં…
નેતા બોલ્યા: ‘વૃક્ષ વાવો’, ફોટા પાડ્યા સાત,
બીજે દહાડે રોપા સૂકા, ને ગાયબ આખી વાત;
એ જ જગા પર મૉલ ઊગે, ને ફ્લાયઓવર બંધાય…
આ શહેરની હવામાં…
પરાગ કહે: ફૂલ પૂછે છે, ‘મ્હેક ક્યાં જઈ મૂકું?
ધુમાડે ઢંકાઈ ગઈ, હવે હું કોને ફૂંકું?’
એક ઝાડ વાવો, ભાઈ, બાકી ઑક્સિજન વેચાય…
આ શહેરની હવામાં…
– પરાગ રતનપરા