સાંઈ, આંગણ આવો
સાંઈ, મારે આંગણ આવો, ખાલી ખોરડું ઝૂરે,
તમ વિણ મારો તંબૂરો પણ સૂનો સૂનો સૂરે.
લીંપી ગૂંપી ઓસરી રાખી, તોરણ બાંધ્યાં દ્વારે,
સાત જનમની ગાંઠ વાળી, રાહ જોઉં સવારે;
તમે ન આવો તો આ કાયા કોનાં ગાણાં પૂરે?
સાંઈ, મારે આંગણ આવો…
મંદિર ગઈ, મસ્જિદ ગઈ, ગઈ તીરથ ને ઘાટ,
ક્યાંય ન દીઠા, ભીતર જોયું, ત્યાં બેઠા'તા ઠાઠ;
હવે ન જાવું ક્યાંય, સાંઈ, તમે જ ભીતર સૂરે…
સાંઈ, મારે આંગણ આવો…
પરાગ કહે: ફૂલ ને મ્હેકનો ક્યાં હોય કદી વિયોગ?
ફૂલ ખીલે ત્યાં મ્હેક ખીલે, એ જ પરમ સંજોગ;
તમે મળો તો હું ઓગળું, ને ‘હું’પણું રહે દૂરે…
સાંઈ, મારે આંગણ આવો…
– પરાગ રતનપરા