← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કૃપા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કૃપા
વરસાદ જેવી નથી હોતી —
કે છત્રી ખોલીએ
ને બચી જવાય.

એ તો ઝાકળ જેવી છે:
રાતભર ચૂપચાપ ઊતરે,
ને સવારે
ઘાસની એકેએક અણી પર
એક નાનકડો સૂરજ
ઝૂલતો મળે.

હું વરસો સુધી
મોટો ખોબો ધરીને
આકાશ સામે ઊભો રહ્યો.

ને એ
કશો અવાજ કર્યા વિના
મારી પાંપણ પર
ઊતરી ગઈ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઅણકહ્યુંઆગલો લેખ →થઈ જઉં