થઈ જઉં
તું તરસ થઈ આવ તો હું વાવ જેવો થઈ જઉં,
તું નદી થઈ આવ તો હું નાવ જેવો થઈ જઉં.
તું ઘવાયે જો કદી આ વિશ્વના કો તીરથી,
હું તને ઓથે રહી, એ ઘાવ જેવો થઈ જઉં.
જિંદગીની ચોપટે તું જીતવા બેસે કદી,
હું ખુશીથી હારતો એ દાવ જેવો થઈ જઉં.
દેવના દરબારમાં તું જઈ નમે જ્યારે કદી,
આરતીના દીવડાના ભાવ જેવો થઈ જઉં.
તું થકે જો ચાલતાં, તો રાહમાં ઊભો ‘પરાગ’
વડ તણી ઘેઘૂર શીળી છાંવ જેવો થઈ જઉં.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #સમર્પણ #સાથ #પ્રેમનીઆરાધના #પરાગરતનપરા
#GujaratiGhazal #Devotion #Surrender #Companionship #SelflessLove #ParagRatanpara