← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ક્રેયૉન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કીમોના ત્રીજા રાઉન્ડ પછી
મારા વાળ
ઓશીકા પર રહી ગયા.

હું અરીસાથી
મોં ફેરવીને ફરતી,
દુપટ્ટો માથે બાંધીને સૂતી.

એક રાતે
મારી સાત વર્ષની દીકરી
ચુપચાપ ઊઠી,
ક્રેયૉનનું ખોખું લાવી,
ને મારા ટાલવાળા માથા પર
પીળા રંગે સૂરજ,
લીલા રંગે વેલ,
ને ગુલાબી રંગે
એક પતંગિયું દોર્યું.

સવારે કહે:
‘મમ્મી, હવે તારા માથા પર
વાળ નથી,
બગીચો છે.’

આજે મારા વાળ
પાછા આવી ગયા છે,
પણ હું રોજ સવારે
અરીસામાં
પેલું પતંગિયું શોધું છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆરામઆગલો લેખ →વાંસનું વન