← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ક્રાંતિ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમે
રાત્રે બાર વાગ્યે
પથારીમાં પડ્યાં પડ્યાં
ક્રાંતિ કરીએ છીએ.

એક પોસ્ટ,
બે હૅશટૅગ,
ત્રણ ગુસ્સાવાળા ઇમોજી —
ને સરકાર ધ્રૂજી જવી જોઈએ.

સવારે
ઑફિસ જતાં
રસ્તામાં ખાડો આવે છે,
અમે
બાઇક ધીમું પાડીએ છીએ,
ને ખાડાનો ફોટો પાડી
ફરી પોસ્ટ કરીએ છીએ:
“આ દેશનું શું થશે?”

સાંજે
સોસાયટીની મીટિંગમાં
પાણીનો પ્રશ્ન આવે છે,
અમે જતા નથી —
કારણ કે
એ સમયે
અમે લાઇવ હોઈએ છીએ,
‘પાણીના પ્રશ્ન પર
સરકારની ઉદાસીનતા’ વિશે.

ક્રાંતિ
આવતી જ હશે,
પણ નેટવર્ક
બહુ ધીમું છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆજ ક્યાં?આગલો લેખ →તરસ છે