કોણ કહે હું કડકો?
કોણ કહે હું કડકો, ભાઈ? કોણ કહે હું કડકો?
ખિસ્સાં ભલે ખાલી, મારી પાસે શબ્દોનો ભડકો!
બૅંકમાં ખાતું ‘ઝીરો બૅલેન્સ’, પણ ડાયરીમાં ગઝલો,
વીજળીનું બિલ બાકી, પણ આભે તારાનો ઢગલો;
મકાનમાલિક ભાડું માગે, તો સંભળાવું ટહુકો…
કોણ કહે હું કડકો…
પત્ની કહે: ‘શાક લાવો’, હું લાવું ફૂલની ડાળી,
છોકરાં કહે: ‘પિઝા મંગાવો’, હું ગાઉં કવિતા રૂપાળી;
પેટમાં ભલે ઉંદર દોડે, હૈયે હરખનો છલકો…
કોણ કહે હું કડકો…
પરાગ કહે: આ દુનિયા ગણે નોટો ને ‘નેટ વર્થ’,
કવિ ગણે છે ટહુકા, તારા, ને પ્રેમનો સાચો અર્થ;
ખિસ્સું ખાલી, હૈયું ભરેલું — એ જ મારો ઠસકો…
કોણ કહે હું કડકો…
– પરાગ રતનપરા