કોળિયો
પંડિતે સ્વર્ગનું વર્ણન કર્યું:
સોનાના મહેલ,
દૂધની નદીઓ,
અપ્સરાઓનાં નૃત્ય.
પાછલી હરોળમાં બેઠેલો
ત્રણ દિવસનો ભૂખ્યો મજૂર
ઊંઘી ગયો.
સપનામાં
એને સ્વર્ગ દેખાયું —
ગરમ બાજરીનો એક રોટલો,
ઉપર માખણનો એક લોંદો,
ને પીરસનારી
એની મા.
પંડિતનું સ્વર્ગ
આકાશમાં હતું;
એનું
એક કોળિયા જેટલું
પાસે હતું —
છતાં વધારે દૂર.
– પરાગ રતનપરા