← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કંકોતરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કંકોતરીમાં
ગણપતિ છે,
કંકુ છે,
ચોખા છે,
ને સોનેરી અક્ષરે
‘શુભ લગ્ન’ છે.

કંકોતરીમાં નથી
પિતાના ખેતરનો
ગીરો મૂકેલો દસ્તાવેજ,
માના કાનની
ગાળી નાખેલી બુટ્ટી,
ને વેવાઈના
‘અમારે કંઈ નથી જોઈતું’ પછીનું
લાંબું લિસ્ટ.

દીકરી વિદાય થઈ,
વાજાં વાગ્યાં,
ફોટા પડ્યા.

ઘરે આવીને
બાપે કંકોતરી
ભગવાનના ગોખલે મૂકી,
ને ધીમેથી બોલ્યા:
‘તું તો સાક્ષી છે ને?
એનું ધ્યાન રાખજે,
હું વ્યાજ ચૂકવતો રહીશ.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખલગ્નનું જમણઆગલો લેખ →મેહુલો