ખુરશી
ખુરશી રે ખુરશી, તારો મહિમા અપરંપાર,
ચાર પાયે તું ઊભી, ને ઝૂકે આખી સરકાર.
ગઈકાલ સુધી જે ગલીએ ગલીએ જોડતો’તો હાથ,
ખુરશી મળી ત્યાં ભૂલી ગયો ઈ ગામ, ગલી ને સાથ;
લાલ બત્તીની ગાડી આવી, ને ઊડી ગઈ તકરાર…
ખુરશી રે ખુરશી…
ખુરશી માટે ભાઈ ભાઈને આંખ દેખાડે લાલ,
ખુરશી માટે પક્ષ બદલે, રાતોરાત કમાલ;
કાલે જેને ગાળો દીધી, આજે એના હાર…
ખુરશી રે ખુરશી…
પરાગ કહે: ખુરશીને પૂછ્યું, ‘તને શું ગમે છે, બોલ?’
ખુરશી બોલી: ‘બેસે છે સૌ, પણ કોઈ ન જાણે મોલ;
હું તો લાકડું, મને ઉધઈ ખાય, ને નેતાને અહંકાર!’…
ખુરશી રે ખુરશી…
– પરાગ રતનપરા