← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાંદની

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતપાળીની નર્સ
આઈ.સી.યુ.ની બારીએ
ઘડીક ઊભી રહે છે.

બહાર
ચાંદની વરસે છે —
ધોળી, ઠંડી, નિરાંતવાળી.

અંદર
મૉનિટરની લીલી લીટી
ઊંચી-નીચી થાય છે,
કોઈ ડોસીના શ્વાસ
ગણાય છે.

ડોસી ઝબકીને જાગે છે,
ને નર્સનો હાથ પકડીને પૂછે છે:
‘બેટા, પૂનમ છે આજે?’

નર્સ બારીનો પડદો
થોડો ખસેડે છે.

ચાંદની
ડોસીના ઓશીકા સુધી આવે છે,
જાણે કોઈ જૂની સખી
ખબર કાઢવા આવી હોય.

સવારે
ડોસીનો પલંગ ખાલી હતો.
નર્સે પડદો બંધ ન કર્યો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખખુરશીઆગલો લેખ →દીવાલ