← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખિસ્સાભર બાળપણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કોઈ પાછું દઈ દો રે મારું ખિસ્સાભર બાળપણ,
ચણીબોર, કોડી, કાચના લખોટા, ને ભીનું આંગણ.

નિશાળનો ઘંટ વાગે, ને પાટી-પેન લઈ ભાગું,
આંબલી-પીપળી રમતાં રમતાં સાંજ પડ્યે ઘર આવું;
માના ઠપકામાં ય ઝરે મીઠું મીઠું માખણ…
કોઈ પાછું દઈ દો રે…

હવે તો ખિસ્સાં ભરેલાં નોટે, પણ મન સાવ ખાલી,
ચણીબોરની ખટાશ જેવી ક્યાં મળે છે વ્હાલી?
મોટો થયો તો ખોવાઈ ગયું ભીતરનું ભોળપણ…
કોઈ પાછું દઈ દો રે…

પરાગ કહે: ફૂલ ખીલે ત્યારે કળી ક્યાં રહે છે?
બાળપણ તો ઝરણું છે, જે પાછું ક્યાં વહે છે?
તોય ઘડપણમાં આંખ મીંચું, ત્યાં ઊઘડે એ સગપણ…
કોઈ પાછું દઈ દો રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભૂરું ટીકઆગલો લેખ →તારું નામ છે