ભૂરું ટીક
માને હવે
ટપાલીની રાહ નથી.
દીકરાએ શીખવ્યું છે:
બે ભૂરાં ટીક થાય,
એટલે સમજવું
કે વાંચી લીધું.
મા રોજ સવારે
ધ્રૂજતી આંગળીએ લખે છે:
‘જય શ્રીકૃષ્ણ. જમ્યો?’
સાંજ સુધીમાં
બે ભૂરાં ટીક થઈ જાય છે.
જવાબ નથી આવતો.
પણ મા
પાડોશણને હરખથી કહે છે:
‘વાંચ્યું તો ખરું ને!’
માની ભાષામાં
હવે
ભૂરું ટીક
દીકરાનો અવાજ છે.
– પરાગ રતનપરા