ખેતર એ જ માતૃભૂમિ
શાળામાં
બાળકો ગાય છે:
‘સુજલામ્ સુફલામ્…’
શાળાની પાછળ
ભીખાકાકા
ખેતરમાં
હળ હાંકે છે.
એમને
ગીતના શબ્દો આવડતા નથી,
પણ ‘સુજલામ્’ શું છે
એ એમના કૂવામાંથી પૂછો,
‘સુફલામ્’ શું છે
એ એમના ખળામાંથી પૂછો,
‘મલયજ શીતલામ્’
એમના પરસેવાને પૂછો.
ધ્વજવંદન વખતે
એ આવતા નથી —
ખેતરમાં ઊભા ઊભા
માથેથી ફાળિયું ઉતારી
માટીને નમી લે છે.
મને લાગે છે
દેશ
સૌથી સાચી સલામી
ત્યાં જ ઝીલે છે.
– પરાગ રતનપરા