સાડીમાં
પટારો ખોલતાં જોયું, વસે છે ગામ સાડીમાં,
ભરતકામે લખેલું બાપુનું છે નામ સાડીમાં.
હજી છેડે હળદ-ડાઘો, હજી લોટેલ છે પાલવ,
રસોડાનું ઘસાયેલું, બધું છે કામ સાડીમાં.
બપોરે બા થકીને જ્યાં ઘડીભર આંખ મીંચે ત્યાં,
લપેટી જાતને, ઊંઘી, કરે આરામ સાડીમાં.
ઝરે છે ધૂપની ખુશ્બૂ, ઝગે છે દીવડો આજે,
હજી બાની સમી આવે ઢળેલી શામ સાડીમાં.
પરાગે મ્હેક સૂંઘી ને ઝુકાવ્યું શીશ એની પર,
નથી કાશી, નથી મથુરા, બધાંયે ધામ સાડીમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #મા #સાડી #સ્મૃતિ #વાત્સલ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #MothersSaree #Memories #Mother #Nostalgia #ParagRatanpara