ખીંટી
જૂનું ઘર ખાલી કર્યું.
ટ્રકમાં ગયાં
પલંગ, પેટી, વાસણ,
માળિયે સંતાડેલો
બાનો પિત્તળનો ડબ્બો પણ.
છેલ્લે રહી ગઈ
દીવાલ પરની એક ખીંટી,
ને એની નીચે
કૅલેન્ડરનો ચોરસ ડાઘ —
બાકીની ભીંત કરતાં થોડો ઊજળો.
ત્રીસ વરસ
એ ચોરસમાં તારીખો બદલાતી રહી,
ને અમે માનતા રહ્યા
કે સમય તો દીવાલ પર લટકે છે.
આજે સમજાયું:
જ્યાં સમય લટકતો હતો
ત્યાં જ ભીંત બચી ગઈ,
ને જ્યાં અમે જીવ્યા
ત્યાં બધું ઝાંખું પડી ગયું.
– પરાગ રતનપરા