← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખારવણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બંદર ઊભી હું તો દરિયો નીરખું, ક્યાં ગ્યો મારો ખલાસી?
મોજાં આવે, મોજાં જાયે, આંખો રહે પ્યાસી.

વહાણ લઈને ગ્યો'તો ચૈતરમાં, આવ્યો આસો માસ,
નાળિયેરી પૂનમ વીતી, ને ખાલી મારી આશ;
ખારવણ થઈને ખારું પીધું, તોયે ન ઊતરી ઉદાસી…
બંદર ઊભી હું તો…

દીવાદાંડી રાતે ઝબકે, જાણે એની આંખ,
પવન સઢનો સાદ લઈ આવે, ફફડે મારી પાંખ;
રેતી પર હું નામ લખું, ને મોજાં ભૂંસે બારમાસી…
બંદર ઊભી હું તો…

પરાગ કહે: ત્યાં દૂર ક્ષિતિજે સઢ દેખાયો લાલ,
ખારવણ દોડી મોજાં સાથે, ભૂલી સઘળા હાલ;
દરિયાદેવને નાળિયેર ધરીને બોલી: ‘જય અવિનાશી!’…
બંદર ઊભી હું તો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆ સમયઆગલો લેખ →ખેલમાં