← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખાલીપો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપુજીના બેસણા પછી
સૌ મહેમાનો ગયા.

ઘરમાં
ખુરશીઓ પાછી ગોઠવાઈ,
પાથરણાં વળાયાં,
અગરબત્તીની રાખ
વાળી નખાઈ.

બધું
પહેલાં જેવું જ થઈ ગયું.

ફક્ત
એમની આરામખુરશી
થોડી ત્રાંસી રહી ગઈ —
જાણે હમણાં જ
કોઈ ઊઠીને
પાણી પીવા ગયું હોય.

અમે કોઈએ
એને સીધી ન કરી.

ખાલીપો પણ
પોતાની જગ્યા
માગે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસસ્તું-મોંઘુંઆગલો લેખ →ઝાંઝવાં