ખાલી ઘડો
ગામના કૂવે
સવારથી
એક ખાલી ઘડો ઊભો છે.
દોરડું લાંબું થતું ગયું,
કૂવો ઊંડો થતો ગયો,
ને પાણી
વરસોવરસ
નીચે ઊતરતું ગયું —
જાણે કોઈ
રિસાઈને
પાતાળે સંતાઈ ગયું હોય.
ઘડાને ટકોરો મારો
તો વાગે છે —
ખણણ…
એ અવાજમાં
આખા ગામની તરસ છે,
ને સાથે
એક ડોશીની ઉધરસ પણ,
જે રોજ સવારે
ચાર ગાઉ ચાલીને
પાણી ભરી લાવે છે.
– પરાગ રતનપરા