દીવો ઝળહળે
આ દિવાળીએ ઘરે ઘર સૌ ઉજાસે ઝળહળે,
ને નમેલી ઝૂંપડીમાં પણ પ્રકાશે ઝળહળે.
તેલ તો પૂરે બધાંયે, વાટને ભૂલી જતાં,
વાટ થઈને જાત બાળે, એ કપાસે ઝળહળે.
સાથિયો પૂર્યો હતો બાએ નમીને ઉંબરે,
આંગણું આખું ય માની એ સુવાસે ઝળહળે.
દીકરો પરદેશ છે, મા ટોડલે દીવો કરે,
એ જ આશા રાતભર સૂની અગાસે ઝળહળે.
આ પરાગે શબ્દનો દીવો જલાવ્યો બારણે,
ભાવ જો ભીનો હશે, તો સૌ નિવાસે ઝળહળે.
– પરાગ રતનપરા
#ગઝલ #દિવાળી #દીવો #મા #પ્રકાશ #પરાગરતનપરા
#GujaratiGhazal #Diwali #FestivalOfLights #Mother #InnerLight #ParagRatanpara