કેવો સુંદર છે ભગવાન
ફૂલે ફૂલે રંગ પૂરે, ને પાંદે પાંદે ગાન,
કોણ ચીતરે આવું બધું? કેવો સુંદર છે ભગવાન!
પતંગિયાની પાંખે કોણે ટપકાં મૂક્યાં છાનાં?
કોયલને કંઠે કોણે ભર્યાં ગીતો નાનાં નાનાં?
મોરને આપ્યો નાચ, ને આપ્યું ઝરણાંને તોફાન…
કેવો સુંદર છે ભગવાન!
રાતે આભ ભરે છે કોઈ તારા લાખ હજાર,
ચાંદામામા લઈને આવે ચાંદીનો શણગાર;
મા’ના ખોળે ઊંઘ મૂકીને ભૂલી જાય છે ભાન…
કેવો સુંદર છે ભગવાન!
પરાગ કહે: એ દેખાય નહીં, પણ બધે જ એની સહી,
બાળકના હસતાં હોઠે તો એ જ બેઠો છે અહીં;
જેણે જોયું સ્મિત નિર્દોષ, એણે જોયો ભગવાન…
કેવો સુંદર છે ભગવાન!
– પરાગ રતનપરા