કેલેન્ડર
વર્ષની છેલ્લી રાતે
બાએ
દીવાલ પરથી
જૂનું કેલેન્ડર ઉતાર્યું.
ફેંકી દેવા જતી હતી,
ત્યાં અટકી.
માર્ચના પાના પર
લાલ પેનથી
ગોળ કરેલો હતો
એક દિવસ —
દીકરાનું પરિણામ.
જૂનના પાના પર
લખ્યું હતું:
‘દૂધવાળાના ચાર દિવસ ખાડા.’
ઑગસ્ટમાં
રાખડીનો દિવસ
કાળી શાહીથી ભૂંસેલો હતો —
એ વર્ષે
બેન આવી નહોતી.
ને નવેમ્બરમાં
એક તારીખ પર
કશું લખ્યું જ નહોતું,
બસ
પાનું સહેજ
ખરબચડું હતું,
જાણે
કોઈ આંસુ સુકાયું હોય.
બાએ
કેલેન્ડર વાળીને
કબાટમાં મૂકી દીધું.
નવું વર્ષ
કોરી દીવાલ પર
લટકી ગયું.
– પરાગ રતનપરા