ઢીંગલીની જાન
ચાલ સખી, ફળિયે ફરી ઢીંગલીની જાન કાઢીએ,
ભૂલી ગયેલું બાળપણ પાછું ઘરમાં લાવીએ.
તારી ઢીંગલી લાલ ચૂંદડીએ, મારો ઢીંગલો ફેંટે,
બાવળનાં ફૂલનો હાર બનાવ્યો, ચાંદો આવ્યો ભેટે;
માટીના ચૂલે રાંધીએ ખીચડી, મીઠું ઝાઝું નાખીએ…
ચાલ સખી…
તું ગઈ સાસરે ઉત્તર દિશે, હું ગઈ દખણ દેશ,
વાળમાં ચાંદી આવી બેઠી, બદલાઈ ગયો વેશ;
પોતરાંની ઢીંગલી જોઈને આપણે ય હરખે નાચીએ…
ચાલ સખી…
પરાગ કહે: આ ઢીંગલી નથી, આ તો નાનકડું સંસાર,
રમતાં રમતાં શીખ્યાં આપણે જીવતરનો વહેવાર;
છેલ્લી ઘડીએ પણ, ઓ સખી, એક વાર રમી લઈએ…
ચાલ સખી…
– પરાગ રતનપરા