← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કીબોર્ડના યોદ્ધા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક જમાનો હતો
જ્યારે યોદ્ધા ઘોડે ચડતા,
તલવાર ખેંચતા,
ને ગામની ગાય છોડાવવા
સીમાડે લોહી રેડતા.

હવે યોદ્ધા
સોફા પર અઢેલે છે,
અંગૂઠો ખેંચે છે,
ને દેશ બચાવવા
રાતના બે વાગ્યે
કોઈ અજાણ્યાની પોસ્ટ નીચે
ત્રણ પાનાંની કૉમેન્ટ લખે છે.

સવારે ઊઠીને
એ રણમેદાનનો હિસાબ જુએ છે:
બસો લાઇક,
ચાલીસ શૅર,
એક બ્લૉક.

ને પછી
બારણે આવેલી ગાયને
લાકડી મારીને કાઢી મૂકે છે —
‘અરે, ક્યાંથી આવી પહોંચી આ?’

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખએકલપંડો મારગઆગલો લેખ →ચકલીનું સરનામું