ચકલીનું સરનામું
ચકલી પૂછે ચકલાને: ‘આપણું નળિયું ક્યાં ગયું?
કાચના આ ઊંચા મિનારે ઘર તો ક્યાંય ન રહ્યું!’
કાલ હતું અહીં ખોરડું, એમાં ઓટલો ને ઓરી,
દાદીમાના ચોખાના દાણા, ચાંચે ચાંચે ચોરી;
આજ ત્યાં ઊભી ચળકતી ભીંતો, ચાંચ અફળાઈ ઘવાયું…
આપણું નળિયું ક્યાં ગયું?
એસીની ઠંડી હવા વહે, ને બારી બંધ બધી,
અરીસે જોઈ પોતાને, ચકલી સમજે ઓલી સખી;
દિવસ આખો વાતો કરે, ને સામે મૂંગું ઝાંખું…
આપણું નળિયું ક્યાં ગયું?
પરાગ કહે: એક બાળકે બારીએ મૂક્યું કૂંડું,
ચપટીક દાણા, વાટકી પાણી, હૈયું રાખ્યું ઊંડું;
ચકલી બોલી: ‘લે, ચકલા, આપણું ગામ જડ્યું!’
કાચના આ ઊંચા મિનારે એક ઘર તો રહ્યું.
– પરાગ રતનપરા