કવિતાથી શું થાય?
કવિતાથી
ભૂખ્યાનું પેટ ભરાતું નથી,
બંદૂક અટકતી નથી,
સરકાર બદલાતી નથી.
તો પણ,
જ્યારે આખું ગામ સળગતું હતું,
એક છોકરીએ
ધ્રૂજતા અવાજે
પ્રાર્થનાની ચાર લીટી ગાઈ —
ને ટોળામાંથી
એક હાથ
પથ્થર મૂકીને
પાછો
ખિસ્સામાં ગયો.
કવિતા
એટલું જ કરે છે.
એટલું
ઓછું નથી.
– પરાગ રતનપરા