અડતો ના
આઘો રહેજે, કાનુડા, મને અડતો ના,
જમના કાંઠે લોક ઊભું, તું ઝઘડતો ના…
બેડું મારું ભારે, ને કેડ મારી લચકે,
તારી વાંસળી વાગે, ત્યાં મારું હૈયું ધડકે;
પાલવ મારો ઝાલીને તું આમ સરકતો ના…
આઘો રહેજે…
સાસુ મારી કરડી આંખે, નણદી મારે મ્હેણાં,
ગામ આખું વાતું કરશે, સાંભળશે મારાં વેણાં;
ઘરે જઈ શું ઉત્તર દઉં? એ તું સમજતો ના…
આઘો રહેજે…
પરાગ કહે: ગોપી તો ‘ના’ કહે, ને હૈયે ‘હા’ની હોળી,
કાનો સમજે સઘળું, એની આંખ્યું કેવી ભોળી!
‘અડતો ના’ કહેતી રાધા, પાછી ખસતી ના…
આઘો રહેજે…
– પરાગ રતનપરા