કવિસંમેલન
સંચાલકે વિનંતી કરી:
‘સમય ઓછો છે,
દરેક કવિ
ફક્ત બે રચના.’
પહેલા કવિએ
પહેલી રચના પહેલાં
પંદર મિનિટ ભૂમિકા બાંધી —
કેવી રીતે, ક્યાં, કઈ ચા પીતાં
આ ગઝલ સ્ફુરી.
પછી કહ્યું:
‘આ ગઝલ તો નાની છે,
એની સાથે બીજી એક જોડાયેલી છે,
ને એની સાથે ત્રીજી.’
શ્રોતાઓમાં
બે ઊંઘી ગયા,
ત્રણ ચા પીવા ગયા,
એક રિક્ષા પકડી ઘેર ગયો.
છેલ્લે કવિએ કહ્યું:
‘હવે છેલ્લો શેર, ઇરશાદ!’
હૉલમાં
માત્ર સંચાલક
ને માઇક
જાગતા હતા.
– પરાગ રતનપરા