← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિ સંમેલન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મંચ પર
સત્તર કવિ.
સામે
અગિયાર શ્રોતા —
જેમાંથી આઠ
પોતે કવિ,
વારો આવવાની રાહ જોતા.
બે આયોજક,
ને એક ચોકીદાર,
જે ખુરશીઓ ગણે છે.

દરેક કવિ
‘બસ, એક જ રચના’ કહીને
પાંચ વાંચે છે.
વાહ વાહ થાય છે —
પોતાની રચના પર,
પોતાના જ મોઢે.

છેલ્લે
ચોકીદારે માઇક લીધું:
‘સાહેબ, હૉલ બંધ કરવાનો છે.’

આખી રાતની
સૌથી ટૂંકી,
સૌથી સાચી
કવિતા
એ જ હતી.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખસિક્કોઆગલો લેખ →આંબો જાણે છે