← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિ ગયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક કવિ ગયો ને ગામની ભાષા સૂની થઈ,
આંગણ ઊભી તુલસી પૂછે: ‘કવિતા ક્યાં ગઈ?’

ઓટલે ખાલી ખુરશી, ચશ્માં ને એક પોથી,
છેલ્લા પાને અધૂરી લીટી કોઈ ન શકે ગોતી;
શાહી સૂકી, કલમ રડી, ને સાંજ ઢળી ગઈ…
એક કવિ ગયો…

સૂરજ ડૂબે, કાલે પાછો પૂરવમાં ઊગવાનો,
કવિ ન ઊગે, ઊગે એનો શબ્દ બધે ગાવાનો;
ખેતર, પાદર, ઘંટી, ગરબે એની કડી રહી…
એક કવિ ગયો…

પરાગ કહે: ના રડજો સાથી, કવિ કદી ના મરતો,
જ્યાં લગ કોઈ હોઠે ગાશે, ત્યાં લગ એ જ વિચરતો;
ખાલી ખુરશી ઉપર જુઓ, મ્હેક હજી બેઠી રહી…
એક કવિ ગયો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમ્હોરાંઆગલો લેખ →પગલાં