કલ્પી તો જો
કલ્પી તો જો —
એક સવારે
તું ઊઠે
ને ઘડિયાળમાં કાંટા ન હોય.
ન ઑફિસનો સમય,
ન બસની ઉતાવળ,
ન કોઈ ‘લેટ’ થવાનો ડર.
તું શું કરે?
કદાચ પહેલી વાર
ચાને ઠંડી થવા દે,
ને એની વરાળને
બારી બહાર
ધીમે ધીમે
વાદળ થતી જુએ.
કદાચ પહેલી વાર
દીકરીના પ્રશ્નનો
પૂરો જવાબ આપે.
કદાચ પહેલી વાર
તને ખબર પડે
કે તું
સમય સાથે નહીં,
સમયની પાછળ
દોડતો હતો.
હવે કાંટા પાછા ગોઠવી દે.
પણ આ સવાર
સાચવી રાખજે.
– પરાગ રતનપરા