← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાંચળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાપ
દર વરસે
કાંચળી ઉતારે છે.
જૂની ચામડી
ઝાડીમાં પડી રહે —
પારદર્શક,
ખાલી,
ને સાપના આકારની.

કવિ પણ
દરેક કવિતા પછી
એક કાંચળી ઉતારે છે.

લોકો એને
સંગ્રહમાં બાંધે,
પુરસ્કાર આપે,
ચર્ચા કરે.

પણ કવિ
ત્યાં હોતો જ નથી.

એ તો
નવી, કૂણી ચામડી લઈને
ક્યાંક બીજી ઝાડીમાં
સરકી ગયો હોય છે —
આગલી
પીડા ભણી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસૌભાગ્યવતી યાદઆગલો લેખ →સગાઈ