← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાળિયો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શેરીનો કાળિયો
કોઈનો નથી.
છતાં રાતે
વારાફરતી દરેક ઘરના ઉંબરે સૂએ છે.

દિવસે લોકો પથરા મારે,
રાતે એ જ લોકો
ચોરની બીકે
એના ભસવાની રાહ જુએ.

ગઈ કાલે એ મરી ગયો.
પાલિકાની ગાડી આવી,
લઈ ગઈ.

આજે રાતે
આખી શેરી જાગે છે,
ને પહેલી વાર સમજાય છે —
ચોકી
કોણ કોની કરતું હતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખત્રાજવેઆગલો લેખ →આંબો