← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાજળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેં તો કાળું કાજળ આંજ્યું, ને શ્યામ થઈ ગઈ આંખ્યું,
સખી, હવે ક્યાં ધોઉં? મેં તો આખું વૃંદાવન ચાખ્યું!

માએ કીધું: ‘કાળા રંગથી દૂર રહેજે, ગોરી,’
મેં તો જમનાજળમાં જોયું, દેખાયો ચિતચોરી;
જળ પણ કાળું, ઘન પણ કાળું, ક્યાં સંતાડું લાખ્યું?
સખી, હવે ક્યાં ધોઉં…

કાળી રાતે વાંસળી વાગી, કાળી કામળી ઓઢી,
કાળા ભમરા ગુંજન કરતા, મેં તો લાજ જ છોડી;
રંગ ગોરો રાખું ક્યાંથી? મન તો શ્યામે રાખ્યું…
સખી, હવે ક્યાં ધોઉં…

પરાગ કહે: જે કાળો દેખે, એની આંખ અધૂરી,
શ્યામ રંગમાં સાત રંગ છે, જોજે મન ભરી પૂરી;
મીરાં, રાધા, ગોપી સૌએ એ જ રંગને ચાખ્યું…
સખી, હવે ક્યાં ધોઉં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહસતું મોંઆગલો લેખ →બંધ