હસતું મોં
લોક કહે છે: તું તો કાયમ હસતો ને હસતો દેખાય,
મારા હસવાની પાછળ શું, કોઈને ક્યાં સમજાય?
સવાર પડે ને દાઢી કરતાં, અરીસામાં હસી લઉં,
ઑફિસ જાતાં બૉસને જોઈ, ફરી ફરીને હસી દઉં;
રાત પડે ત્યાં ખાલી ઘરમાં હસવું થાકી જાય…
મારા હસવાની પાછળ…
બાપુ ગયા ત્યારે પણ મેં તો સૌને ચા પાઈ'તી,
બાએ પૂછ્યું: ‘તું રડ્યો?’ ને મેં તો ના કીધી'તી;
એ ‘ના’માં જે આંસુ ડૂબ્યાં, એ હજી ના સુકાય…
મારા હસવાની પાછળ…
પરાગ કહે: જે હસતા ચહેરા, એનું પણ સાંભળજો,
કોઈ દી' એને ખભે હાથ મૂકી, ‘કેમ છે?’ પૂછજો;
હસતા મોંનું એક ડૂસકું, દરિયો થઈને જાય…
મારા હસવાની પાછળ…
– પરાગ રતનપરા