કાગવાસ
શ્રાદ્ધના દિવસે
બાએ ખીર-પૂરી
થાળીમાં મૂકી
બારમા માળની બાલ્કનીની પાળ પર.
‘કાગડો આવશે, તો બાપુ રાજી.’
સવાર ગઈ,
બપોર ગઈ.
કબૂતર આવ્યાં,
એક બિલાડી આવી,
સોસાયટીનો વૉચમૅન આવ્યો
ને કહી ગયો:
‘બા, પાળ પર કંઈ મૂકવું નહીં,
નિયમ છે.’
કાગડો ન આવ્યો.
સાંજે
બાએ થાળી અંદર લીધી,
ને પૌત્રને
એક કોળિયો ખવડાવતાં બોલ્યાં:
‘લે, તું ખા.
તારા દાદાને
ખીર તારા જેવી જ રીતે ભાવતી —
મોઢું આખું બગાડીને.’
પૌત્ર હસ્યો,
ને બાને લાગ્યું
કાગડો આવી ગયો.
– પરાગ રતનપરા