કાચિંડો
જંગલમાં સભા ભરાઈ:
‘રંગ બદલવાની હરીફાઈ.’
કાચિંડાએ
લીલો કર્યો, પીળો કર્યો,
લાલ કર્યો, ભગવો કર્યો,
ને છેલ્લે
ત્રિરંગો પણ કરી બતાવ્યો.
તાળીઓ પડી.
ઇનામ જાહેર થવાનું જ હતું
ત્યાં
પાછલી હરોળમાંથી
ખાદીના ઝભ્ભાવાળો એક જણ ઊભો થયો,
ભાષણ પહેલાં ગરીબનો,
ભાષણ પછી શેઠનો,
ને ચૂંટણી પછી
કોઈનો નહીં —
એણે માઇક પકડતાં પહેલાં જ
ત્રણ રંગ બદલી નાખ્યા.
કાચિંડો
ચૂપચાપ ઝાડ પર ચડી ગયો,
ને ત્યાંથી બોલ્યો:
‘અમે તો જીવ બચાવવા રંગ બદલીએ છીએ,
સાહેબ;
તમે તો
જીવ લેવા.’
– પરાગ રતનપરા