કાચની નદી
શહેરના મૉલમાં
એક કાચની નદી છે —
ફ્લોર નીચે
લાઇટવાળું પાણી,
ઉપર કાચ,
ને કાચ પર ચાલતા લોકો.
બાળકો
નીચે માછલીઓ જોઈને
તાળીઓ પાડે છે.
માછલીઓ
પ્લાસ્ટિકની છે.
મેં
એ કાચ પર
ઘૂંટણિયે બેસીને
હાથ મૂક્યો.
ઠંડો હતો.
ભીનો નહોતો.
મને
ગામની નદી યાદ આવી,
જ્યાં પગ બોળતાં
આખું શરીર
ગલીપચીથી હસી પડતું.
આ નદી
કોઈને ભીંજવતી નથી,
કોઈને ડુબાડતી નથી,
કોઈને તારતી ય નથી.
એ માત્ર
દેખાય છે.
આજકાલ
ઘણા સંબંધો
આવી જ નદીઓ જેવા છે.
– પરાગ રતનપરા