ઝાંખું થયું
મોતિયો આવ્યો, પછી આ ગામનું ઝાંખું થયું,
ને પછી સૌ ઓળખીતા નામનું ઝાંખું થયું.
ઑફિસે જેના વિના ચાલે નહીં, એવો હતો,
બે દિવસમાં ત્યાં બધા એ કામનું ઝાંખું થયું.
બા જતી’તી રોજ મંદિર, ખાટલે છે આજ એ,
સાંભળે છે વાંસળી, પણ શ્યામનું ઝાંખું થયું.
આખરે ભૂલી ગયા સૌ, ઘર, સગાં ને દીકરા,
હોઠ પર તો રામ, ક્યાં એ રામનું ઝાંખું થયું?
આ ‘પરાગે’ જિંદગીભર પ્રેમ-રસ પીધો, અને
આંખ ઝાંખી, પણ ન એના જામનું ઝાંખું થયું.
– પરાગ રતનપરા
#ગઝલ #ઘડપણ #સ્મૃતિ #ઝાંખપ #રામનામ #પરાગરતનપરા
#GujaratiGhazal #OldAge #FadingMemory #Blurred #DivineName #ParagRatanpara