← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કૅસેટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કબાટના ખૂણેથી
એક જૂની કૅસેટ મળી.
ઉપર બાપુજીના અક્ષરે લખ્યું હતું:
‘ભજન — ૧૯૮૯’.

ટેપ-રેકૉર્ડર તો
ક્યારનુંય ભંગારમાં ગયું.
ઘરમાં કોઈ યંત્ર નથી
જે આ ટેપ ચલાવી શકે.

હું કૅસેટ હાથમાં લઈને
બેસી રહું છું.
અંદર ક્યાંક
ગૂંચળું વળીને
એમનો અવાજ સૂતો છે —
‘વૈષ્ણવજન તો…’ ગાતો,
વચ્ચે ખાંસતો,
ને છેલ્લે ધીમેથી કહેતો:
‘બેટા, બંધ કર હવે.’

અવાજને
ખોદી કાઢી શકાતો નથી,
ને ફેંકી પણ શકાતો નથી.

એટલે મેં કૅસેટને
દેવઘરમાં મૂકી છે —
ઠાકોરજીની બાજુમાં.
બંને ચૂપ છે,
ને બંને
રોજ સાંભળે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆજકાલઆગલો લેખ →દોડમાં