← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કૅલેન્ડરનું ગામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરાના ફ્લૅટમાં
બાપુજીના ઓરડાની દીવાલ પર
એક કૅલેન્ડર ટાંગ્યું છે.

ઑગસ્ટ મહિનાના પાના પર
એક ગામનું ચિત્ર છે —
નદી, પીપળો, કાચું ખોરડું,
ને પાદરે ચરતી બે ભેંસો.

બાપુજી રોજ
સવારે ચા પીતાં પીતાં
એને જોયા કરે છે.
ક્યારેક આંગળી મૂકીને
નદીનો વળાંક ગણે છે.

સપ્ટેમ્બર આવ્યો.
વહુએ કહ્યું: ‘પાનું ફેરવી દઉં?’
બાપુજીએ ના પાડી.

ઑક્ટોબર ગયો,
નવેમ્બર ગયો,
ડિસેમ્બરે નવું કૅલેન્ડર આવ્યું.

જૂનું ઉતારતી વખતે
વહુએ જોયું —
ઑગસ્ટના પાના પર,
પીપળાની નીચે,
પેન્સિલથી એક નાનો માણસ દોરેલો હતો,
લાકડી લઈને બેઠેલો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછોડીનેઆગલો લેખ →ધુળેટી