ધુળેટી
ધુળેટીએ ધૂળ ઊડી ને ગામ થયું રંગરાતું,
કોણ કયો ને કોણ પરાયો, કોઈ ન ઓળખાતું.
મુખીનો ચહેરો લીલો, ને શેઠનો પીળો પીળો,
માસ્તર કાળો-ભૂરો, ને પૂજારી ચીતરેલો ઢીલો;
એક જ રંગે રંગાયું ત્યાં ઊંચ-નીચનું ખાતું…
કોણ કયો ને કોણ પરાયો…
સાસુ ભાગી ઓરડામાં, વહુએ ઢોળી ડોલ,
દિયરે ગુલાલ ઉડાડ્યો, ગામે વગાડ્યા ઢોલ;
દાદાની ધોળી દાઢીએ પણ ગુલાબી ગીત ગવાતું…
કોણ કયો ને કોણ પરાયો…
પરાગ કહે: આ રંગ ધોવાશે, સાંજે નાહી લેશું,
પણ મનના ભેદ ધોવાઈ જાય, તો હોળી સાચી કહેશું;
વરસે એક દી’ ઓળખ ભૂલે, ત્યાં જ ગામ બંધાતું…
ધુળેટીએ ધૂળ ઊડી ને ગામ થયું રંગરાતું.
– પરાગ રતનપરા